ગાંધીનગરમાં હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અને મેટ્રોની કામગીરને ધ્યાને રાખીને અગાઉ સમિતિ દ્વારા રથયાત્રાનો રૃટ ટૂંકાવામાં આવ્યો હતો. ૩૧ કિલોમીટરની રથયાત્રા ૧૪ કિલોમીટરની કરી દેવામાં આવતા ભક્તો તથા વસાહત-વેપારી મંડળોમાં ભારે નારાજગી હતી જેના કારણે સમિતિ દ્વારા ફેર વિચારણા કરવામાં આવી હતી અને પરંપરાગત રૃટનો સર્વે ફરી કરવામાં આવ્યો હતો અને પરંપરાગત રૃટ ઉપર જ રથયાત્રા નિકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે ભક્તોની આસ્થા બેવડાઇ છે.
અમદાવાદમાં રથયાત્રા નિકળી શકે તેમ ન હતી ત્યારે વર્ષ ૧૯૮૫માં સ્થાનિકોના સહકારથી ગાંધીનગરમાં પહેલી રથયાત્રા ભારે ઉત્સાહ અને શ્રધ્ધા સાથે નિકળી હતી ત્યારથી ગાંધીનગરની આ રથયાત્રા ધાર્મિક તહેવાર નહીં પણ લોકોત્સવ બની ગઇ છે. છેલ્લા લગભગ ૩૮ વર્ષથી ચાલતી રથયાત્રા નિયત કરેલા પરંપરાગત રૃટ ઉપર ફરે છે જેમાં જુના અને નવા સેક્ટરોનો સમાવેશ થઇ જાય છે સાથે સાથે સે-૨૯ જલારામ મંદિરે મોસાળાની પ્રથા પણ અકબંધ રહી છે ત્યારે આ વખતે વિવિધ વિકાસ કામો અને મેટ્રોની કામગીરીને ધ્યાને રાખીને સમિતિ દ્વારા રથયાત્રાનો રૃટ ટૂંકાવી દેવામાં આવ્યો હોવાની જાહેરાત કરી દીધી હતી.
એટલુ જ નહીં, ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રાને ૧૪ કિમીમાં જ સિમિત કરવામાં આવી હતી જેના પગલે સેક્ટરવાસીઓ તથા ભક્તોમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી ફેલાઇ હતી. ભક્તોની આસ્થાને ધ્યાને રાખીને સમિતિ દ્વારા ફેર વિચારણા કરવામાં આવી હતી જેના પગલે તાજેતરમાં શાસ્ત્રીજીને સાથે રાખીને સમિતિના સભ્યો દ્વારા પરંપરાગત રૃટનો સર્વે પણ કર્યો હતો જેમાં કોઇ મોટા કામ નહીં ચાલતા હોવાને કારણે સે-૧૩ તથા છ-રોડ સિવાયના આ પરંપરાગત રૃટને યથાવત રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વસાહત મંડળો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરવા માટેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.