કૈલાશ પર્વત અને માનસરોવરને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે એટલે કે કૈલાશ પર્વત એક એવો એતિહાસિક પર્વત છે જેને ભારતના લોકો ભગવાન શંકરનું નિવાસસ્થાન માને છે. આટલું જ નહિ પણ આ પર્વત વિષે શાસ્ત્રોમાં પણ સારી રીતે ઉલ્લેખ જોવા મળી રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે ભગવાન શંકર પોતાના સંપૂર્ણ પરિવાર સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે.
તમને જણાવી દઈએ કે ભગવાન શિવનો સાક્ષાત વાસ છે તેવા કૈલાશ પર્વતને હિન્દુઓનું સૌથી મુખ્ય તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે છે, જો કે અહી પવિત્ર માનસરોવર તળાવથી ઘેરાયેલા આ કૈલાશ પર્વત સાથે ઘણા રહસ્યો પણ છુપાયેલ છે જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
માનવામાં તો એવું પણ આવે છે કે કૈલાશ માનસરોવર હિન્દુ જ નહિ બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ આસ્થાનું કેન્દ્ર રહેલું છે. માન્યતા મુજબ જોવામાં આવે તો ઋષભદેવે આઠ પગલાંમાં કૈલાશની યાત્રા કરી હતી જયારે હિન્દુઓના મતે કૈલાશ પર્વતએ મેરૂ પર્વત છે જે બ્રહ્માંડની ધરી માનવામાં આવે છે.
જયારે બીજી પૌરાણિક માન્યતાઓ મુજબ જોવામાં આવે તો આ સ્થળ કુબેરની નગરી પણ માનવામાં આવે છે. અહીંથી મહાવિષ્ણુના કરકમળોથી નીકળીને ગંગા કૈલાશ પર્વતની ટોચ પર પડે છે. જ્યાં ભગવાન શિવ તેને પોતાની જટામાં ભરી ધરતી પર નિર્મળ ધારાના સ્વરૂપમાં પ્રવાહિત કરે છે.
આ કૈલાશ પર્વત પર કૈલાશપતિ સદાશિવ બિરાજે છે કે જેની ઉપર સ્વર્ગ અને નીચે મૃત્યુલોક છે. જણાવી દઈએ કે કૈલાશ પર્વતની ચાર દિશાઓમાંથી ચાર નદીઓનો ઉદ્દગમ થયો છે.જેમાં બ્રહ્મપુત્રા,સિંધુ, સતલજ, કરનાલી છે આ નદીઓમાંથી જ ગંગા અને સરસ્વતી નદી વહે છે.