ગુજરાત રાજ્ય માં આવેલ દ્વારકા એ એક પ્રાચીન શહેર છે. જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કિનારે વસેલું છે. દ્વારકા નામ સાંભળતા જ આપણે મન માં ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનો માંથી એક તીર્થ સ્થાન છે.
જો તમને હિન્દુ પૌરાણિક કથાઓ સાંભળી હશે તો તમે ભગવાન વિષ્ણુના અવતારોમાં ના એક અવતાર શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના જોડાણ વિશે તમને અવશ્ય માહિતી હશે. દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગો માંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ દ્વારકા માં આવેલા દ્વારકાધીશ મંદિરનું પણ છે.
ગુજરાત માં આવેલું દ્વારકા મંદિર હિંદુઓ માટેના મહત્વના ચાર ધામ માનું એક મંદિર છે અને ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરો માનું એક શહેર છે. આખા વર્ષ દરમિયાન હજારો યાત્રાળુઓને અહીંયા પોતાના પરિવાર સાથે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહીંયા આવેલ બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટકો નું ધ્યાન આકર્ષે છે.
દ્વારકા શબ્દ નો અર્થ સ્વર્ગનો પ્રવેશ દ્વાર એવો થાય છે. જેમાં “દ્વાર નો અર્થ દ્વાર” થાય છે અને “કા” નો અર્થ ભગવાન બ્રહ્મા એવો ઉલ્લેખ થાય છે. દ્વારકા માં શ્રી કૃષ્ણ પોતાના યાદવ કુળ ના ભાઈઓ સાથે આવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી.
દંતકથા અનુસાર દ્વારકા શહેર ને ભગવાન શ્રીકૃષ્ણ ની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ એ મથુરા ખાતે ક્રૂર રાજા કંશની હત્યા કરી હતી. કંશના મૃત્યુનો બદલો લેવા માટે કંસના સસરા, જરાસંધે કૃષ્ણના રાજ્ય પર 17 વાર હુમલો કર્યો અને વધુ અથડામણ ટાળવા માટે,
ભગવાન કૃષ્ણએ તેની રાજધાની મથુરાથી દ્વારકા ખસેડી હતી. દ્વારિકા નગરીને મોક્ષદાયીની પણ કહેવામાં આવે છે. અહીંયા ભક્તો પોતાના સાચા મનથી ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન કરશે અને તેમની સેવા કરશે તો તેમને મોક્ષ મળશે.
દ્વારકા મંદિર પર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે. જેનો અર્થ એવો કરવામાં આવે છે કે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ અમર રહેશે. જો કે સૂર્ય અને ચંદ્ર બંને કૃષ્ણના પ્રતીક છે. મંદિરમાં દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. સવારે, બપોર અને સાંજે એમ ત્રણ વખત ધજા અબોટી બ્રાહ્મણ દ્વારા બદલવામા આવે છે.
દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે. જો કે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો રંગ મેઘ સમાન હોવાથી ધજા મેઘધનુષ્ય સમાન સપ્તરંગી હોય છે. પવન ગમે તે દિશમાં હોય, પરંતુ ધજા હમેશાં પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે. દ્વારકાનું જગત મંદિર પવિત્રયાત્રા ધામ છે. અહીં ખાસ કરીને જન્માષ્ટમી પર દેશ વિદેશથી હિંન્દુઓ મોટી સંખ્યામાં આવે છે.