શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શુક્લ પક્ષની પાંચમને નાગ પંચમીના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. દેશના વિવિધ પ્રદેશોમાં નાગ દેવતાના મંદિર આવેલા છે પણ ઉજ્જૈનમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરની વાત અલગ છે. આ મંદિરના દરવાજા દર વર્ષે માત્ર નાગ પંચમીના દિવસે જ ખુલે છે. આ મંદિરના દરવાજા માત્ર ૨૪ કલાક માટે ખુલ્લા રાખવામાં આવે છે જે બાદ મંદિરને બંધ કરી દેવામાં આવે છે.
આ મંદિર મહાકાલેશ્વર મંદિરના પ્રાંગણમાં આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર દર વર્ષે જ્યારે નાગ પંચમીના દિવસે આ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે ત્યારે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તે સમયે નાગરાજ સ્વયં આ મંદિરમાં ઉપસ્થિત રહે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. ૧૧મી શતાબ્દીના આ મંદિરમાં નાગ પર બિરાજમાન શિવ-પાર્વતીની અતિસુંદર પ્રતિમા છે. તેની ઉપર છત્ર સ્વરૂપે નાગદેવતા જોવા મળે છે.
માન્યતા અનુસાર દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં શિવ અને પાર્વતીની આવી અદ્ભુત મૂર્તિ જોવા મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરમાં નાગ પંચમીના દિવસે પૂજા કરવાથી સર્પદોષમાંથી મુક્તિ મળે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં નાગ પંચમીના દિવસે શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે અને પૂજા કરે છે. જો તમને પણ ક્યારેય ઉજ્જૈન જવાનું થાય તો નાગચંદ્રેશ્વર મંદિરમાં પૂજા કરવાનું ભૂલશો નહીં.
ભગવાન નાગચંદ્રેશ્વરની મૂર્તિ ખૂબ જ જુની છે અને તેને નેપાળથી લાવવામાં આવી હતી. નાગચંદ્રેશ્વર મંદિરમાં જે અદ્ભૂત પ્રતિમા બિરાજમાન છે તેના વિશે કહેવામાં આવે છે કે આ ૧૧મી શતાબ્દીની છે. આ પ્રતિમામાં શિવ-પાર્વતી પોતાના સંપૂર્ણ પરિવારની સાથે આસન પર બેઠા છે અને તેમના ઉપર સાંપ ફન ફેલાવીને બેઠો છે.