ચાઇનીઝ વાસ્તુ ફેંગશુઈમાં ફીશ એક્વેરિયમનું ખાસ મહત્ત્વ છે. તેને ઘરમાં શુભ અને પોઝિટિવ ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાનમાં માછલીને જળની કારક માનવામાં આવે છે, તે હંમેશાં એક્ટિવ રહે છે. આ કારણે તેને ઘરમાં ઊર્જા લાવનાર અને આસપાસના વાતાવરણથી આળસ અને નેગેટિવ ઊર્જાને હટાવનાર માનવામાં આવે છે. જ્યોતિષમાં પણ માછલીનું વિશેષ મહત્ત્વ છે. તેને કેતુનો કારક જીવ માનવામાં આવે છે.
ફીશ એક્વેરિયમને લઇને ફેંગશુઈમાં અનેક પ્રકારના નિયમ ઉલ્લેખવામાં આવ્યાં છે.એક્વેરિયમમાં માછલીની સંખ્યાનું વિશેષ મહત્ત્વ છે. જો યોગ્ય સંખ્યા અને રંગની માછલી એક્વેરિયમમાં રાખવામાં આવે તો ઘરના સભ્યો ઉપર આવતી દરેક પરેશાનીઓ આપમેળે દૂર થઇ જશે. ફેંગશુઈ પ્રમાણે, એક્વેરિયમમાં માછલીઓની સંખ્યા ઓછામાં ઓછી નવ હોવી જોઇએ. જેમાંથી આઠ માછલીઓ લાલ અને સોનેરી રંગની અને એક માછલી કાળા રંગની હોવી જોઇએ.
એક્વેરિયમને પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઇએ. એક્વેરિયમ માટે આ દિશાઓ સૌથી શુભ માનવામાં આવે છે. એક્વેરિયમને બેડરૂમ કે રસોડામાં રાખવું નહીં. આ સ્થાને એક્વેરિયમ રાખવાથી રૂપિયાની હાનિ થઇ શકે છે. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ જાળવી રાખવા માટે એક્વેરિયમને મુખ્ય દ્વારની ડાબી બાજુ રાખવું જોઇએ.કાળા રંગની માછલીનું એક ખાસ મહત્ત્વ હોય છે. કાળા રંગની માછલી સુરક્ષાનું પ્રતીક છે.
કાળી માછલી ઘરની નેગેટિવ ઊર્જાને દૂર કરે છે. કાળા રંગના કારણે તે ઘરની નેગેટિવ એનર્જીને પોતાની તરફ આકર્ષિત કરે છે. વાતાવરણમાં ફેલાયેલી નેગેટિવ એનર્જીને તે ગ્રહણ કરીને વાતાવરણને પોઝિટિવ બનાવે છે. આ કારણે જ મોટાભાગે કાળી માછલીનું મૃત્યુ જલ્દી થઇ જાય છે. કોઇ પણ માછલીના મૃત્યુ બાદ તરત જ તે સ્થાને નવી માછલી રાખવાની સલાહ પણ ફેંગશુઈ આપે છે.