પીર જન્મતા નથી કે પીરોની કોઈ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પણ કોઈપણ માનવી પોતાની પાંચ ઈંદ્રિયોને વશ માં કરે તે પીર કે યોગી બની શકે. ત્યારે આજે અમે તમને એવાજ એક પીરના ઈતિહાસ અને તેમના મંદિર વિષે જણાવીશું જ્યાં આજે પણ અનેક ભક્તો પીરના દર્શન માટે જાય છે. કચ્છના કબીર તરીકે જાણીતા બનેલા મેકરણ દાદા કે જેમનું મંદિર કચ્છ ખાતે આવેલ છે.
બાળપણમાં મોકાયજીના નામે ઓળખાતા મેકરણ દાદાનો જન્મ કચ્છના ખોંભડી ગામમાં થયો હતો. મેકરણ દાદાએ માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરીને ખોંભડી થી માતાનામઢ તરફ કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. ત્યારે માતાના મઢના મહંત ગંગારામજીએ તેમને શરણાગત આપીને તેમને દીક્ષા લેવડાવી હતી. નાનપણથીજ મેકાયજીમાં સેવાભાવની ભાવના હતી જેથી તેઓ બાળપણથીજ સેવા કાર્યમાં જોડાયેલા રહેતા હતા.
બાળપણના દિવસો દરમિયાન તેઓ કાવડમાં રોટલો અને પાણી ભરીને નીકળતા હતા. ત્યારે કચ્છના રણમાં જતા અને જે લોકો ભૂખ્યા હોય તેમને ખવડાવતા હતા અને તરસ્યાઓને પાણી પીવડાવતા હતા. આખરે દીક્ષા લીધા બાદ તેમને અનેક જગ્યાએ ધૂણો ધખાવ્યો હતો અને અનેક વટેમાર્ગુઓને રાહ ચીંધી હતી. ત્યારબાદ મેકરણદાદા ફરી કચ્છની ધરતી તરફ આવ્યા અને ભચાઉ ના જંગી નામના ગામે ધુણો ધખાવ્યો હતો.
ત્યારબાદ જંગી ગામે ૧૨ વર્ષ ધૂણો ધખાવ્યા બાદ ત્યાંથી જીનામ કહીને લોડાઈ ગામ તરફ ગયા અને લોડાઈ ગામમાં પણ ૧૨ વર્ષ સુધી ધૂણો ધખાવ્યો હતો અને છેલ્લે ધ્રંગ ગામે ધુણો ધખાવ્યો હતો. આમ સમય જતા દાદામેકરણ એ સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. અને વિક્રમ સવંત ૧૭૮૬ માં ધ્રંગ ગામે જીવતા સમાધિ લીધી જેમાં મેકરણદાદા એ તેના ૧૧ ભક્તો તેમજ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરા એ પણ જીવતા સમાધિ લીધી હતી.