હનુમાનદાદાને કળીયુગમાં પણ હાજર હજૂર ભગવાન તરીકે પૂજવામાં આવે છે. આથી ભારત દેશ સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં હનુમાનદાદાના અનેક મંદિરો આવેલા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકો ઇતિહાસના પાને અલગ ઉભરી આવે છે.આ ગામથી અમદાવાદ તરફ પાંચ કિલોમીટરના અંતરે આવેલ ગેથળા હનુમાનની જગ્યા ઐતિહાસીક દ્રષ્ટીએ ઘણું મહત્વ ધરાવે છે.એમાંય કારતક માસના દર શનિવારે આ સ્થળ પર માનવમહેરામણ હનુમાનજીના દર્શને ઉમટી પડે છે.
આ મંદિરની અંદર આવેલ હનુમાનદાદાની મૂર્તિ અનોખી પ્રતિભા ધરાવે છે. કારતક માસના છેલ્લા શનિવારે આ જગ્યા પર મેળો ભરાય છે જેમાં નજીકના ગ્રામજનો પરિવાર સાથે આવીને ભાખરીને ભાંગીને ગોળ-ઘી મેળવીને તૈયાર કરેલ મલીદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવી ધન્યતા અનુભવે છે.સામાન્યરીતે કોઇપણ તીર્થસ્થાનમાં પત્થરમાંથી આકાર પામેલ મૂર્તિનું સ્વરૂપ હોય છે પરંતુ આ મંદિરમાં રહેલ મૂર્તિ ગાયના છાણ(ગોબર)માંથી બનેલ છે.
એક લોકવાયકા મુજબ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી સમગ્ર ભારતવર્ષની યાત્રાએ નીકળ્યા હતા તે સમયે લખતરથી પાંચ કિલોમીટરનાં અંતરે આવેલ લખતર સ્ટેટનાં વીડમાં રાતવાસો કર્યો હતો આ સ્થળપર ગાયો ચરવા માટે આવતી હતી. સમર્થ રામદાસજીને ટેક હતી કે હનુમાનજીની પૂજા કર્યા બાદ જ અન્ન લેવું નજીકમાં ક્યાંય હનુમાનજીની મૂર્તિ નહિ હોવાને કારણે તેમણે તે વીડમાં જ ગાયના છાણ(ગોબર)માંથી મૂર્તિ બનાવી તેની પૂજા-અર્ચના કરી આ સ્થળ ગૌસ્થળી હનુમાન મંદિર તરીકે ઓળખાણ પામ્યું.
કાળક્રમે આ નામ અપભ્રંશ થઇ ગેથળા હનુમાન તરીકે જાણીતું બન્યું છે.આ જગ્યાના વિકાસમાં શ્યામાનંદ સરસ્વતીજીનો ઉલ્લેખનીય ફાળો છે. અહીં યાત્રાળુઓ માટે રહેવા-જમવા તથા રસોઈ બનાવવાની સગવડ કરવામાં આવી છે.નજીકનું રેલ્વે મથક લખતર છે તથા નજીકના એરપોર્ટ અમદાવાદથી આ જગ્યા ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલી છે. આથી વર્ષ દરમિયાન આ મંદિરમાં ભક્તોનું કીડીયારું ઉમટી પડે છે અને હનુમાનદાદાના આશીર્વાદ લે છે.