તહેવારોની રજા હોય કે વીક એન્ડમાં આવતી રજા આવા સમયે ઘરે રહેવા કરતા ફ્રેન્ડસ, ફેમિલી કે તમારા પ્રિય પાત્ર સાથે ઓછા ખર્ચામાં અને અમદાવાદની આજુ બાજુમાં એક દિવસનું પિકનિકનું આયોજન કરીને રજાની મજા માણીને મસ્તી ભર્યો દિવસ પસાર કરો. અમદાવાદની આસપાસ અને માત્ર 100 થી 150 કિલોમીટરના અંતરે જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ મસ્તીને સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.
જામ્બુઘોડા:
અમદાવાદથી આશરે 160 કિલો મીટરના અંતરે જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990 ના વર્ષ માં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે. એ જ કારણ છેકે, અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે.
વિજયનગર પોળો ફોરેસ્ટ:
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે. આ સ્થળ અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ અંદજે 5 કિલો મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
નળ સરોવર પક્ષી અભયારણ્ય:
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે નળ સરોવર આવેલું છે. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4 થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200 થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને ત્યાંથી સાઇબેરીયા આવે છે. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે.