સપ્તશ્રૃંગી માતાનું પ્રસિદ્ધ શક્તિપીઠ નાસિકથી માત્ર ૬૫ કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત શ્રેણીના ખોળામાં એક ઉંચી જગ્યા પર સ્થિત છે. નાસિકથી સપ્તશ્રૃંગી જતી વખતે દ્રાક્ષથી હર્યા ભર્યા બાગ, ગાઢ જંગલ, જળાશય, જળધોધ, ઘણી જ દુર્લભ જડી બુટ્ટી અને ઔષધીય ઝાડ-પાન જ તમારુ મન મોહી લેશે. સાચુ કહીએ તો નાસિક આવ્યા બાદ જો તમે સપ્તશ્રૃંગી દેવીના મંદિર નથી જતા તો તમે નિશ્ચિત રીતે ઘણું મિસ કરશો.
સૌથી પહેલા તમને જણાવી દઇએ કે સપ્તશ્રૃંગીને ૫૧ શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે જે લગભગ ૪૫૦૦ ફૂટ ઉંચાઇ પર સ્થિત છેસપ્તશ્રૃંગીનો શાબ્દિક અર્થ છે સાત શિખર અને તે નાસિકથી ૬૫ કિલોમીટર દૂર નંદૂરી ગ્રામ, તાલુકા કાલવનમાં સ્થિત છે. અહીં સપ્તશ્રૃંગી માતાનું મંદિર છે જે સાત પર્વતોના શિખરો (જેને અહીં ગઢ પણ કહેવાય છે)થી ઘેરાયેલું છે એટલા માટે આનું એક નામ સપ્તશ્રૃંગી ગઢ પણ છે.
આ મંદિરને મહારાષ્ટ્રના સાડા ત્રણ શક્તિપીઠોમાંનું એક પણ કહેવાય છે. સપ્તશ્રૃંગી ભારતમાં સ્થિત ૫૧ શક્તિપીઠો પૈકીનું એક છે અને માન્યતા છે કે આ સ્થાન પર માતા સતીનો જમણો હાથ પડ્યો હતો. ૧૮ હાથોવાળી સપ્તશ્રૃંગી માતાનું આ મંદિર સદીઓ જુનું છે અને તેની આસપાસના જંગલો (દંડકારણ્ય)નો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે.સહ્યાર્દી પર્વત શ્રેણી પર વસેલા સપ્તશ્રૃંગી માતાના આ મંદિરની પાસે જ્યાં એક તરફ ઊંડી ખીણ છે તો બીજી તરફ ઉંચા પહાડ પણ છે.
આંઠ થી દસ ફુટ ઉંચી દેવી માંની મૂર્તિની ૧૮ ભુજા (હાથ) છે જે જુદા જુદા અસ્ત્ર-શસ્ત્રથી સુશોભિત છે. કહેવાય છે કે આ તે જ અસ્ત્ર છે જે દેવતાઓએ મહિષાસુર રાક્ષસ સાથે લડવા માટે માતાને પ્રદાન કર્યા હતા. અત્યંત તેજસ્વી નેત્રોવાળી આ પ્રતિમા આખા વર્ષ દરમિયાન બે રુપોમાં જોવા મળે છે. કહેવાય છે કે દેવીમાંનું રૂપ ચૈત્ર માસમાં પ્રસન્ન મુદ્રામાં તો આસો માસમાં ધીર-ગંભીર જોવા મળે છે. અહીં માતા મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતી એમ ૩ સ્વરુપે પૂજાય છે.
દર પૂનમ, રામ નવમી, દશેરા, ગુડી પડવો, ગોકુલાષ્ટમી અને નવરાત્રી દરમિયાન અહીં અતિશય ભીડ રહે છે. ચૈત્રોત્સવ અહીંનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ સમયે ભક્ત આખા પર્વતની પ્રદક્ષિણા કરે છે. ટ્રૉલીમાં એકસાથે લગભગ ૬૦ લોકો બેસી શકે છે અને મંદિર સુધી જવા માટે આ દર ૫-૧૫મિનિટ (ભીડને જોતાં) પર ઉપલબ્ધ રહે છે. જો તમારી પાસે સમયની કમી છે તો તમારે પાર્કિંગમાં કાર પાર્ક કરવાથી લઇને દર્શન કરીને પાછા આવવામાં લગભગ ૧ કે ૨ કલાક લાગી શકે છે.