આપણા ભારતમાં અનેક એવાં મંદિરો છે જેના રહસ્યો આજ સુધી વણઉકલ્યા જ રહ્યાં છે. ભારતમાં ઘણાં એવાં વિશિષ્ટ અને ખુબ જ જાણીતાંમંદિરો છે જે અજાયબીઓથી ભરપુર છે. જેમકે કરણી માતા મંદિર , નિધિ વન મંદિર , તનોટ માતા મંદિર , મમલેશ્વર મહાદેવ મંદિર, ભૂતેશ્વરનાથ શિવલિંગ ,અચલેશ્વર મહાદેવ મંદિર ,જવાળામુખી દેવી મંદિર એટલાં બધાં પ્રખ્યાત છે અને એની વિશેષતાઓ અપરંપાર છે, એનાં રહસ્યો હજી સુધી તો વિજ્ઞાન નથી જ શોધી શક્યું.
મહાકાલ નગરી ઉજ્જૈનમાં સ્થિત કાલ ભૈરવનું મંદિર અનેક રીતે અજાયબીઓથી ભરપુર છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન કાલ ભૈરવ સાક્ષાત રૂપમાં મદિરા પાન કરે છે. એ તો આપણે જાણીએ જ છીએ કે કાલ ભૈરવના પ્રત્યેક મંદિરમાં મદિરા પ્રસાદનાં રૂપમાં ચઢાવવામાં આવે છે, પરંતુ ઉજ્જૈન સ્થિત કાલ ભૈરવનાં મંદિરમાં જેવો શરાબ ભરેલો પ્યાલો કાલ ભૈરવમૂર્તિનાં મો આગળ લઇ જઈએ કે તરત જ જોતજોતામાં એ શરાબનો પ્યાલો ખાલી થઇ જાય છે.
મધ્ય પ્રદેશનાં ઉજૈન શહેરથી લગભગ ૮ કિલોમીટર દુર ક્ષિપ્રા નદીનાં તટ પર કાલભૈરવ મંદિર સ્થિત છે. કાલ ભૈરવનું આ મંદિર લગભગ ૧ હજાર વર્ષ પુરાણું છે એમ માનવામાં આવે છે. આ એક વામ માર્ગી તાંત્રિક મંદિર છે. વામ માર્ગનાં મંદિરોમાં માંસ, મદિરા, બલિ, મુદ્રા જેવાં પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહીંયા માત્ર તાંત્રીકોને જ વાવણી અનુમતિ હતી. એ અહીંયા તાંત્રિક ક્રિયાઓ કરતાં હતાં. કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે ખોલી દેવામાં આવ્યું
કેટલાંક વર્ષો પહેલાં અહીંયા જાનવરોની બલિ ચઢાવવામાં આવતી હતી પરંતુ હવે એ પ્રથા બંધ જ કરી દેવામાં આવી છે.
હવે ભગવાન ભૈરવને કેવળ મદિરાનો જ ભોગ ધરાવવામાં આવે છે. કાળભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે. એ ક્યારે ? કેવી રીતે? અને કેમ શરુ કરવામાં આવ્યો એ કોઈ જ જાણતું નથી.
મંદિરમાં કાલ ભૈરવની મૂર્તિની સામે ઝૂલામાં બટુક ભૈરવની મૂર્તિ બિરાજમાન છે. બાહરી દીવાલો પર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. સભાગૃહની ઉત્તર તરફ પાતાળ ભૈરવી નામની એક નાનકડી ગુફા પણ છે.
કહેવાય છે કે બહુજ વર્ષો પહેલાં એક અંગ્રેજ અધિકારી એ આ વાતની ગહન તહકીકાત કરાવી હતી કે આખરે આ શરાબ જાય છે ક્યાં ? એ માટે એણે પ્રતિમાની આસપાસ ઘને ઊંડે સુધી ખોદાવ્યું પણ હતું, પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું. એનાં પછી એ અંગ્રેજ ખુદ પણ કાલ ભૈરવનો ભક્ત બની ગયો હતો.