ગુજરાત રાજ્યની અંદર અનેક પ્રાચિનતમ મંદિરો આવેલા છે જે આજે પણ પોતાના ઈતિહાસ માટે જાણીતા છે. ત્યારે મહેસાણા જીલ્લાના પીલુદરા ગામની અંદર આવેલ મહાકાળી મંદિર પણ પોતાના ઈતિહાસ માટે જાણીતું છે. એવું કહેવામાં આવે છે કે મંદિરમાં મહાકાળી માતાના દર્શન માત્રથી ભક્તોના દુખ દુર થઇ જાય છે. સોલંકી કાળ દરમિયાન નિર્માણ પામેલા આ મંદિરની અંદર વર્ષ દરમિયાન અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે.
વર્ષ ૧૯૯૭ દરમિયાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગ્રામલોકો યાત્રાધામ પાવાગઢ મંદિર જીવંત જ્યોત લેવા માટે ગયા હતા. પાવાગઢમાં ૬૦૦ વર્ષ જુની અખંડ જ્યોત પ્રગટેલી છે. તે જ પ્રગટેલી જ્યોતમાંથી પીલુદરાના લોકોએ નવી જ્યોત પ્રગટાવી હતી. ત્યારે પાવાગઢની જ્યોત એકાએક બુઝાઈ ગઈ હતી. આ જોઇને પાવાગઢ મંદિરના પૂજારી પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને પીલુદરાના લોકોને પરત બોલાવી ફરીથી એ જ્યોતમાંથી પાવાગઢની જ્યોત પ્રગટાવી.
ત્યારબાદ ગ્રામજનો ભારે ઉત્સાહભેર પીલુદરા આવી અખંડ જ્યોત પ્રગટાવી હતી જે જ્યોત આજે પણ જીવંત છે. મંદિરની અંદર દરેક કષ્ટોનું નિવારણ હોવાની માન્યતાને લઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર આ સ્થાન બન્યું છે. આ મહાકાળી માંના મંદિરની જમણી બાજુ ગર્ભ ગૃહમાં ગણેશજી તેમજ ડાબી બાજુ ભૈરવ બિરાજમાન છે. તેમજ મંદિરની બાજુમાં જમણી બાજુ અંબેમાં અને ડાબી બાજુ અન્ય એક માતાજીનું મંદિર છે.
પીલુદરામાં બિરાજમાન મહાકાળી માતાજીના પાવનકારી દર્શન માટે ગુજરાતભરમાંથી દર્શનાર્થે પધારે છે.અહીં આવતા તમામ ભક્તોની દેવી મહાકાલીના દર્શન માત્રથી આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. અહીં દર પૂનમ તેમજ દર રવિવારે ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં માતાજીને પેંડા અને સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ સ્થાનકમાં દુઃખ લઈને આવતા તમામ માઇભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકોને માતાજી પર અતૂટ છે.