દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો અલગ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. આ દિવસે આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. હિન્દુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે
અને તેમને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે. દિવાળીના દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખા અયોધ્યાને રોશનીથી શણગારી હતી. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને આનંદની ઉજવણી કરે છે. ત્યારે અહી આ વર્ષે દિવાળી પર શુભ મુહૂર્ત અને પૂજાવિધિ અંગે જાણકારી આપવામાં આવી છે.
આ વર્ષે કારતક મહિનાની અમાસ ૨૪ અને ૨૫ ઓક્ટોબર બે દિવસમાં વહેંચાયેલી છે. પરંતુ ૨૫ ઓક્ટોબરે અમાસ તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. બીજી બાજુ ૨૪ ઓક્ટોબરે પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. ૨૪ ઓક્ટોબરે નિશીત કાળમાં પણ અમાવસ્યાની તિથિ હશે. તેથી આ વર્ષે ૨૪ ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
દિવાળીના શુભ મુહૂર્તમાં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા કળશને તિલક લગાવીને પૂજાની શરૂઆત કરો. આ પછી હાથમાં ફૂલ અને ચોખા લઈને મા લક્ષ્મી અને ભગવાન ગણેશનું ધ્યાન કરો.
ધ્યાન કર્યા પછી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓને ફૂલ અને ચોખા અર્પણ કરો. ત્યારપછી બંને મૂર્તિઓને પાટથી ઉપાડીને થાળીમાં મૂકો અને દૂધ, દહીં, મધ, તુલસી અને ગંગાજળના મિશ્રણથી સ્નાન કરાવો. આ પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો અને મંદિરમાં પાછા સ્થાપિત કરો.
સ્નાન પછી લક્ષ્મી-ગણેશની મૂર્તિને તિલક લગાવો. માતા લક્ષ્મી અને ગણેશજીને માળા પહેરાવો. આ પછી લક્ષ્મી અને ગણેશજીની સામે મીઠાઈ, ફળ, પૈસા અને સોનાના ઘરેણા મૂકો. ત્યારબાદ આખો પરિવાર સાથે મળીને ગણેશજી અને લક્ષ્મી માતાની મહિમાની કથા-વાર્તા સાંભળો અને પછી મા લક્ષ્મીની આરતી કરો.