મા ખોડિયાર તો છે આદ્ય ભવાની. તે તો છે સૌના દુ:ખડા હરતી, પરકૃપાળુ પરમેશ્વરી. જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે શક્તિએ ધરતી પર અવતાર ધરીને તેમના ભક્તોની રક્ષા કરી છે. ધરતી પર અવતરીત થયેલાં માના આઈ સ્વરૂપો પણ હંમેશા જ તેમના ભક્તોની રક્ષા માટે તત્પર રહ્યા છે. અને મા ખોડલ પણ તેમાંથી જ એક છે. સમગ્ર ગુજરાતમાં મા ખોડલના અનેક સ્થાનકો આવેલા છે. એ પૈકી વાંકાનેરથી ૧૭ કિમી દુર આવેલ માટેલધામ ખુબજ જાણીતું છે.
મોરબીના વાંકાનેરથી માત્ર ૧૭ કિલોમીટરના અંતરે આવેલ માટેલધામ આજે દેશ વિદેશમાં ખુબજ જાણીતું બન્યું છે. વર્ષ દરમિયાન માટેલધામ ખાતે આવેલા માતા ખોડીયારના મંદિરમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. ભક્તોની જેટલી જ શ્રદ્ધા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્ધા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે. કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી.
સૌરાષ્ટની અંદર ઉનાળા દરમિયાન પાણીની અછત ઉભી થાય છે પરંતુ આ માટેલિયા ધરામાં ક્યારેય પાણી સુકાતું નથી. આજે પણ માટેલ ગામના લોકો ધારણા પાણીને ગળ્યા વગર પીવામાં ઉપયોગ કરે છે. માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની, અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે.
આ સાથેજ ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે. તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ માટેલિયા ધરાની અંદર ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે જે ધરાનું પાણી આજદિન સુધી સુકાયું નથી જેથી મંદિર ક્યારેય જોવા મળેલ નથી. એકવાર એક રાજાએ તે પ્રયાસ કરી પણ જોયો પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.