હિંદુ ધર્મની અંદર દીપ પ્રાગટ્યને ખુબ મહત્વ આપવામાં આવે છે. દરેક પૂજા વિધિ દરમિયાન અથવા ઘરના મંદિરની અંદર પૂજા સમયે દીપ પ્રગટાવવામાં આવે છે. પરંતુ દીવાને લગતી કેટલીક વિશેષ બાબતો છે જેને અનુસરવાથી પૂજા સફળ થાય છે અને પૂજાનું ફળ પણ પ્રાપ્ત થાય છે. હિંદુ શાસ્ત્ર અનુસાર દીવાના કેટલાક પ્રકારો છે જે અલગ અલગ દેવી દેવતાઓ માટે દીપ પ્રગટાવવાથી વિશેષ લાભ થાય છે. આ લેખ દ્વારા અમે આજે તમને દીવાના પ્રકારો વિશે જણાવીશું.
એક મુખી દીવો
સામાન્ય રીતે આ પ્રકારના દીવાને ઈષ્ટદેવની પૂજા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દીવાની અંદર એક દિવેટ હોય છે જેમાં ગાયનું ઘી અથવા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આરતી સમયે પણ આ પ્રકારના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે.
બે મુખી દીવો
દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે બે મુખી દીવો પ્રગટાવવામાં આવે છે. આ પ્રકારનો દીવો કરવાથી દુર્ગા માતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસે છે.
ત્રણ મુખી દીવો
ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોના વિઘ્નો દુર કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે ત્રિમુખી દીવાનો ઉપાયોગ કરવામાં આવે છે.
ચાર મુખી દીવો
આ પ્રકારના દીવાનો ઉપયોગ કાલ ભૈરવની પૂજા કરવા માટે કરવામાં આવે છે. આ સાથેજ દીવાની અંદર સરસવનું તેલ ઉમેરવામાં આવે છે જેથી કરીને કાલ ભૈરવ જલ્દીથી પ્રસન્ન થાય છે.
પાંચ મુખી દીવો
આ પ્રકારના દિવસે ભગવાન શિવના પુત્ર કાર્તિકેયને પ્રસન્ન કરવા માટે થાય છે. આ પ્રકારનો દીવો કરવાથી કોર્ટ કેસમાં વિજય મળે છે.
સાત મુખી દીવો
આ પ્રકારનો દીવો ધનના દેવી લક્ષ્મી માતાને રીજવવા માટે કરવામાં આવે છે. સાત દિવેટવાળો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાંથી આર્થિક તંગી દુર થાય છે.
આઠ મુખી અથવા બાર મુખી દીવો
દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે આઠ કે બાર મુખી દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
સોળ મુખી દીવો
જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજામાં ૧૬ મુખી એટલે કે ૧૬ દીવેટ સાથેનો દીવો પ્રગટાવવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવા માટે ગાયના ઘી અથવા તલના તેલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે દેવતાઓને પ્રિય વસ્તુઓ અથવા ગ્રહો સંબંધિત તેલનો ઉપયોગ પણ દીપ પ્રગટાવવામાં થાય છે.
ઘીનો દીવો
સુખ-સમૃદ્ધિ માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો તમે દરરોજ પ્રગટાવી શકો છો. દરેક દેવી-દેવતાની પૂજામાં ઘીનો દીવો પ્રગટાવી શકાય છે.
તલના તેલનો દીવો
શનિદેવની પૂજામાં આ દીવો પ્રગટાવવામાં આવે છે. જો કે, તમે અન્ય દેવી-દેવતાની પૂજામાં પણ તલના તેલનો દીવો કરી શકો છો.
સરસવના તેલનો દીવો
આ પ્રકારના દીવાનો ઉપયોગ સૂર્યદેવ અને કાલ ભૈરવની પૂજામાં થાય છે.
ચમેલીના તેલનો દીવો
એવું માનવામાં આવે છે કે હનુમાનજીને રીજવવા માટે ચમેલીના તેલનો દીવો કરવામાં આવે છે. આ પ્રકારનો દીવો પ્રગટાવવાથી હનુમાનજીની કૃપા વરસતી રહે છે.