આજે અમે તમને સૌરાષ્ટ્રના જાણીતા સંત જલારામ બાપાના મહિમા વિષે જણાવીશું. જલારામ બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા સેવાના કાર્યો કર્યા છે. આજે અમે તમને જલારામ બાપાના એક ચમત્કાર વિષે જણાવીશું જે આજે પણ બરકરાર રહ્યો છે. પોણા બસો વર્ષ પહેલા જલારામ બાપા તેમના ગુરૂ ભોજલરામ બાપા પાસે વિરપુરથી અમરેલી પાસે ફતેપુર ગામે આવતા જતા ત્યારે રસ્તામાં કુકાવાવ પાસેના માધા ઠક્કરના પીપળીયા ગામે વિશ્રામ માટે રોકાતા હતા. જ્યાં તેમને રામજીભાઇ હીદડની મુલાકાત થઇ હતી.
રામજીભાઇનો ઉદાસ ચહેરો જોઇને જલારામબાપાએ પૂછ્યુ કે ભગત કેમ ઉદાસ છો ત્યારે રામજીભાઇએ કહ્યું કે, મારા ઘરે દુજાણું બંધ થઇ ગયુ છે. આ સાંભળીને જલારામબાપાએ તેમની સાથે રાખતા નેતરની લાકડી આપી અને કહ્યુ કે આ લાકડી તમારા ઘરના રસોડામાં રાખજો ભગત અને દર સોમવારે ઘીની વાટકી ચોપડજો બધા સારા વાના થઇ જશે. તમારે ત્યા અખંડ દુજાણુ અને અખંડ ભંડારો ભરપુર રહેશે. આ લાકડીની લંબાઇમાં દર વર્ષે વધ ઘટ થાય છે.
આજે પાંચમી પેઢીએ પણ નિર્મળાબેન હીદડનો પરિવાર જલારામ બાપાની આપેલી પ્રસાદીરૂપી લાકડી ક્યારેય નીચે જમીન ઉપર નથી રાખતા અને પરંપરા મુજબ ધૂપ દિવા કરે છે અને દર સોમવારે લાકડીને ઘી ચોપડે છે. નિર્મળાબેન પ્રસાદીરૂપી જલારામબાપાની લાકડીના માપ વિશે પૂછ્યુ તો કહે છે કે આ લાકડીનુ કોઇ માપ નક્કી નથી. આ વર્ષે સાડા પાંચ વેત થઇ હોય તો બીજા વર્ષે પાંચ વેતની હોય છે.
તો વળી ત્રીજા વર્ષે સાડા પાંચ વેતથી થઇ જાય છે. જો કે બાપાની લાકડી પર તેના ભાવિકો અખૂટ શ્રધ્ધા ધરાવે છે. આજે આ ગામ માધા ઠક્કરના પીપળીયાના બદલે ખજુરી પીપળીયાના નામે ઓળખાય છે. પણ સાધુવેશમાં ભગવાને જલારામબાપા અને માતૃશ્રી વિરબાઇ માતાને ધોકો અને જોળી પ્રસાદરૂપે આપેલા જે વિરપુર મંદિરમાં ભક્તજનોના દર્શનાર્થે રાખવામાં આવેલ છે.