સાળંગપુરના સોનેરી સિંહાસન પર બેસીને તેઓ પોતાના ભક્તોની તમામ મનો-ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. એવું કહેવાતું આવ્યું છે કે બજરંગબલી હનુમાનજીના આ મંદિરમાં આવેલા દરેક ભક્તના દુઃખોનું નિવારણ આવી જાય છે. ભલેને એ કોઇની ખરાબ નજર હોય કે પછી શનિનો પ્રકોપ હોય, અહીથી કોઈ ખાલી હાથે જતું નથી. ભારતભરના ખૂણે ખૂણે જેની ખ્યાતિ પહોંચેલી છે, જેના ચમત્કારો આજે પણ લોકો જોવે છે. તો ચાલો આજે ગુજરાતનાં આ સાંરગુપર ધામની વાત કરીએ..
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા નજીક આવેલ નાનકડા એવા સારંગપુર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે વિખ્યાત થયું છે. અહીં આવનાર ભક્ત માત્ર દર્શનથી જ પીડામૂક્ત થઈ જાય છે. આશરે 170 વર્ષ પહેલા આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરના મૂળ તો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ગોપાલનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો.
સારંગપુરનું આ વિખ્યાત મંદિર ભૂત-પ્રેતથી નિવારણ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે, મેલી જમીનમાં પગ પડી જવો કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તે તમામ આ મંદિરમાં આવીને હાસકારો અનુભવે છે. અને તેઓનું જીવન નીરોગી અને સુખી થઈ જાય છે.
એવું જાણવા મળે છે કે આ મંદિરની સ્થાપના ગોપાલનંદ સ્વામી દ્વારા આ ગામના લોકોના કષ્ટ દૂર કરવા અર્થે જ કરી હતી. એક સમય એવો પણ હતો કે આ ગામમાં કોઈ વ્યક્તિ કે સાધુ સંતો આવવા માટે પણ સહમત ન હતા. એવા સમયમાં વાંધા ખકરની વાત સાંભળીને ગામના લોકોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
આજે આ ગામડામાં પાંચ હજારથી પણ વધારે દર્શનાર્થીઓ આવે છે. જ્યારે શનિવાર અથવા મંગળવાર હોય ત્યારે તો અહીં ભક્તોની ભીડ ત્રણ ગણી વધી જાય છે. આ ગામમાં હનુમાનજીના મંદિરના પરિસરમાં વિશાળ સ્વામિનારાયણ મંદિર પણ આવેલુ છે. તદુપરાંત આ મંદિર દર્શન કરવા આવતા લોકોનું મુખ્ય આકર્ષણ નારાયણ કુંડ રહે છે અને આ ગામથી થોડે દૂર કુંડલ સ્વામિનારાયણ ધામ પણ આવેલું છે, જે પર્યટન સ્થળ તરીકે વિખ્યાત છે. તો, તમે પણ એક દિવસનું આયોજન બનાવી આ પ્રસિદ્ધ સારંગપુર મંદિર અને કુંડલધાંનો પ્રવાસ ગોઠવી શકો છો.
આ મંદિરમાં તમે જ્યારે દાદાની મૂર્તિના દર્શન એમના પગમાં એક સ્ત્રીને દબોચી રાખી હોવાનું દેખાશે, ત્યારે હનુમાન દાદાની આ મૂર્તિ પાછળ પણ એક ગૂઢ ઇતિહાસ છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે એક વખતે હનુમાનજી અને શનીદેવ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. હનુમાનજીથી બચવા માટે શનિદેવે અંતે સ્ત્રી-રૂપ ધારણ કર્યું, તેમ છતાં તેઓ હનુમાનજીથી બચી ન શક્યા અને હનુમાન દાદાએ પોતાના પગ નીચે દબોચી લીધા હતા જેના સાક્ષ્ય રૂપે જ આ મૂર્તિ બિરાજમાન છે.
આ મંદિરની ભવ્યતા સાથે સાથે તેની સ્થાપત્ય શૈલી પણ ધ્યાન ખેંચે તેવી છે. અત્યંત ઝીણવટથી કરેલ નકશી-કામ મનને મોહી લે તેવું છે.
જો તમે પણ સારંગપુર દર્શન કરવા માટે જવાની મહેચ્છા રાખતા હોય તો આ મંદિરની કેટલીક સુવિધાઓ વિશે પણ જાણ કરી દઈએ. આ મંદિરની અંદર આવનાર તમામ ભાવિક ભક્તો તેમજ સાધુ-સંતો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે સવારે ચા-નાસ્તાની સેવા પણ આપવામાં આવે છે.
તદુપરાંત આ મંદિરની અંદર જ એક આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ આવેલું છે. જે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં રાત્રિ રોકાણ કરવા ઇચ્છતા હોય તેમના માટે પણ એક વિશાળ ધર્મશાળાની સુવિધા પણ કરવામાં આવેલી છે. મંદિરની ધરમશાળામાં 180 જેટલા એસી. અને 350 નોન-એસી. રૂમઆવેલા છે. જેનું ભાડું 200 રૂપિયાથી 1200 સુધીનું છે. ધર્મશાળાની અંદર અગાઉથી બુકિંગ કરવા માટેની સુવિધા તો ઉપલબ્ધ નથી પરંતુ, એટલી મોટી ધરમશાળા છે કે ત્યાં રૂમ મળી જ રહેશે.