હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે તો સાથે 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક જિલ્લાઑમાં કૃષિ પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. પરંતુ હવે જે બીજો રાઉન્ડ આવશે એ ખેડૂતો ના પાક માટે વરદાન સાબિત થશે.
હવામાન વિભાગના મતે આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 જુલાઈના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ વરસાદનું જોર ઘટતું જશે.