ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી આફતમાં અત્યારસુધીમાં 31035 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે.
રાજ્યનાં 21 જળાશય 100 ટકાથી વધુ ભરાયાં
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યાં છે, ત્યારે રાજ્યનાં 21 જળાશય 100 ટકાથી વધુ ભરાઈ ગયાં છે. એ ઉપરાંત 30 જળાશયો 70થી 100 ટકા, 27 જળાશય 50થી 70 ટકા, સરદાર સરોવર કુલ સંગ્રહશક્તિના 48 ટકા ભરાયો છે. રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 NDRFની પ્લાટૂન અને 21 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે NDRFની બે ટીમ અને SDRFની પાંચ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. અત્યારસુધીમાં 575 નાગરિકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
અત્યારસુધીમાં 83 લોકોનાં મોત
રાજ્યમાં અત્યારસુધીમાં 83 માનવ મૃત્યુ નોંધાયાં છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયાં છે. છેલ્લા 24 કલાકમાં 14 માનવ મૃત્યુ થયાં છે, જેમાં બેનાં ઝાડ પડવાથી, બેનાં વીજળી પડવાથી અને 9નાં પાણીના વહેણમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 31035 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જે પૈકી 21094 નાગરિક હજુ આશ્રયસ્થાનોમાં છે, જ્યારે 9848 નાગરિકો પાણી ઓસરતાં પરત ઘરે ફર્યા છે.
51 સ્ટેટ હાઈવે સહિત 537 માર્ગો બંધ
રાજ્યમાં થયેલા વરસાદને કારણે 51 સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, 483 પંચાયત મળી કુલ 537 માર્ગો સુરક્ષાની દૃષ્ટિકોણથી વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-41, નવસારી નેશનલ હાઈવે-64 અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયા છે. રાજ્યનાં ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી માત્ર 138 ગામના રૂટ બંધ કરવામાં આવ્યા છે. એમાં પણ 14 રૂટ પૂર્વવત થઈ ગયા છે. જ્યારે 124 રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. એવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી માત્ર 769 ગામમાં વીજપુરવઠો બંધ થયો હતો. એ તમામ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.
14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી
ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. 15 જુલાઇ બાદ અમદાવાદમાં વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી.બી. દુબેના જણાવ્યા મુજબ, લૉ પ્રેશર 14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ વરસાદનું જોર ઓછું થશે.
ગુજરાતમાં 27 ડેમ પર હાઇ એલર્ટ
સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતમાં 27 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે, 27 ડેમ પૈકી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે, જ્યારે 8 ડેમમાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમમાં 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 169 ડેમમાં 70 ટકા કે તેથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની કોઈ ખાસ આવક થઈ નથી.