Categories
Uncategorized

કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં અતિભારે વરસાદની શક્યતા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. નદી-નાળાં છલકાઈ ગયાં છે. રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબથી NDRFની 5 ટીમ આવી પહોંચી છે, એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીનાં સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયાં છે. રાજ્યમાં આગામી 24 કલાક અતિભારે છે. રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

CMએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે બોડેલી પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી. બોડેલી પહોંચીને CM ભૂપેન્દ્ર પટેલે તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. તેઓ બોડેલીના દીવાન ફળિયા તથા વર્ધમાન ફળિયામાં પહોંચ્યા હતા, જ્યાં પૂરના પાણી સૌથી વધુ ભરાયાં હતાં. અહીં તેમણે પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમની મુશ્કેલી જાણીને મદદ કરવાની બાંયધરી આપી હતી.

24 કલાકમાં સરેરાશ 42 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 42 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 15 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 123 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 52 ટકા, સૌરાષ્ટ્રમાં 43 ટકા, પૂર્વ ગુજરાતમાં 35 ટકા અને ઉત્તર ગુજરાતમાં 23 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે દોઢ વાગ્યે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.હવામાન વિભાગે 12મી જુલાઈના સવારે 8.30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8.30 વાગ્યાની એટલે કે 24 કલાકની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત્ છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવકાર્ય કરી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 245 શહેરમાં વરસાદ
ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 21 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ, સાગબારામાં 16 ઈંચ, કપરાડામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. 12 જુલાઈએ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, 13 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ, 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદથી 63 લોકોનાં મોત
રાજ્યમાં મેઘમહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યારસુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે. 24 કલાકમાં 11 ઝૂંપડાં પણ બરબાદ થઈ ગયાં છે. અત્યારસુધી કુલ 272 પશુનાં વરસાદથી મૃત્યુ થયાં છે તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોનાં મૃત્યુ તેમજ વીજપોલ પડી જતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી 468 નાગરિક ઘરે પરત ફર્યા છે.

રસ્તાઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતાં રસ્તો બંધ.

10 હજારથી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ કરાયું
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ 10,674 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાંથી 6853 નાગરિકો ઘરે પરત ફર્યા છે, જ્યારે અંદાજે 3821 આશ્રયસ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે. આશ્રયસ્થાન પર વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લામાંથી અત્યારસુધીમાં અંદાજે 508 નાગરિકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું છે.

સુરતમાં અનેક રસ્તાઓ બંધ થતાં લોકો અટવાયા.

NDRF અને SDRFની કુલ 18-18 ટીમ તહેનાત
સરકાર દ્વારા કરાયેલા આયોજન તથા વરસાદમાં રેસ્ક્યૂ અને મૃત્યુ પામેલા લોકો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમ તહેનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર, આ ટીમો સત્વર પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *