Categories
Uncategorized

આ તો ટ્રેલર હતું! આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ મામલે રાજ્યમાં હજી 3 દિવસ કોઈ જ રાહત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમ્યાન અત્યંત ભારે વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે, આગામી 48 કલાકમાં ગુજરાત દરિયાઈ કાંઠામાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાં આવતા રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 400 મીમી વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં 60 થી 80 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારો અને બંદરો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે.

જાણો સમગ્ર ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ ખાબક્યો?
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 51 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં અને વલસાડના કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 47 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 14 જુલાઇ 2022ના રોજ સવારે 06.00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન વાંસદા તાલુકામાં 394 મિ.મી., કપરાડામાં 377 મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં 15 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 340 મિ.મી, પારડીમાં 286 મિ.મી, સુબીરમાં 270 મિ.મી, વાપીમાં 260 મિ.મી, વઘઈમાં 247 મિ.મી, ખેરગામમાં 229 મિ.મી, ડોલવણમાં 226 મિ.મી, ઉમેરગામમાં 214 મિ.મી મળી કુલ આઠ તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે નાંદોદ તાલુકામાં 199 મિ.મી, ડાંગ (આહવા)માં 193 મિ.મી, દભોઇ 183 મિ.મી, કરજણમાં 144 મિ.મી, વલસાડમાં 123 મિ.મી, સુત્રાપાડા અને કોડીનારમાં 118 મિ.મી, ગીર ગઢડા અને વાલોદમાં 113 મિ.મી , આમ કુલ નવ તાલુકાઓમાં 05 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડેડીયાપાડા તાલુકામાં 111 મિ.મી, ચીખલી અને વંથાલીમાં 98 મિ.મી, ગોધરામાં 95 મિ.મી, વિસાવદરમાં 91 મિ.મી, કેશોદમાં 90 મિ.મી, તારાપુરમાં 89 મિ.મી, માંગરોળમ 88 મિ.મી, કડાણામાં 87 મિ.મી, મહુવા 85 મિ.મી, નવસારીમાં 84 મિ.મી, ખંભાતમાં 83 મિ.મી, ગણદેવીમાં 82 મિ.મી, નેત્રંગ અને જાંબુઘોડામાં 80 મિ.મી, ઉનામાં 74 મિ.મી, છોટા ઉદેપુરમાં 71 મિ.મી, જલાલપોરમાં 70 મિ.મી, પોરબંદરમાં 67 મિ.મી, સાંતલપુરમાં 65 મિ.મી, અમરેલીમાં 64 મિ.મી, કલ્યાણપુર અને માલિયામાં 61 મિ.મી,  વેરાવળમાં 60 મિ.મી, સાગબારામાં 59 મિ.મી,  વાડીયામાં 58 મિ.મી, જેતપુર પાવીમાં 57 મિ.મી,  જમ્કાન્ડોરના અને પલસાણામાં 56 મિ.મી,  વ્યારામાં 54 મિ.મી, ધારી અને વિજાપુરમાં 53 મિ.મી, જાંબુસેરમાં 51 મિ.મી. અને પાટણમાં 50 મિ.મી, મળી કુલ 34 તાલુકાઓમાં 02 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય કુલ 40 તાલુકાઓમાં 01 ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 51 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 97.76 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 64.36 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 51.18 ટકા, પૂર્વ ગુજરાતમાં 41.10 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.48 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *